Monday, December 29, 2025

જીંદગી માં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ની જરુર

સાવ નાનકડી ઘટના..
એને ઘટના પણ ન કહેવાય. 
૪૫ વર્ષના અનુજ મહેતા અમદાવાદના એરપોર્ટ ઉપર તરફ જતા હતા ત્યારે સામેથી ચાલ્યા આવતા એક પુરુષ સાથે અથડાઈ ગયા. અનુજભાઈના એક હાથમાં હેન્ડબેગ હતી. બીજા હાથમાં એરબેગ હતી. કાનમાં મોબાઈલનો હેડફોન ભરાવેલો હતો. બંધ હોઠોમાં પાસપોર્ટ અને વિમાનની ટિકિટ દબાવેલી હતા. એમાં આવી ટકરામણ થઈ ગઈ એટલે શરીરના વૃક્ષ પરથી બે-ત્રણ પાંદડા ખરી પડ્યા. સામેવાળો સભ્ય અને સંસ્કારી હતો. એની પાસે સામાનમાં ખાસ કાંઈ હતું નહીં. એણે તરત જ નીચે નમીને વેરણછેરણ ચીજવસ્તુઓ ઉપાડીને અનુજ મહેતાના હાથમાં મૂકી દીધી. પછી કમરથી સહેજ ઝૂકીને કહ્યું પણ ખરું.. 'આઈ એમ સોરી..' આ બધું લખતા આટલી વાર લાગી પણ આ બનાવ બનતા માંડ એકાદ મિનીટ થઇ હશે. અનુભાઈએ પણ સામો વિવેક કર્યો.. 'ઈટસ ઓલ રાઈટ..' સામેવાળો ચીટકુ નીકળ્યો. ફટાક દઈને શર્ટના ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને અનુજભાઈના હાથમાં પકડાવી દીધું..

'આઈ એમ વિશાલ પટેલ. હેપ્પી ટુ મિટ યુ. હું ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇનિંગનું કામ કરું છું. આ કાર્ડ પણ મેં જ બનાવ્યું છે. મારે લાયક કંઈ કામકાજ હોય તો જણાવજો.. બાય, ટેક કેર..!'  


અનુજભાઈ મોડા હતા. 'ચેક ઇન'ની વિધિ આટોપી. બોર્ડિંગનું બે વખત એનાઉન્સમેન્ટ થયું. અનુજ મહેતા ગેટ નંબર બે તરફ ધસી ગયા. દસ મિનિટ પછી તેઓ સીટ પર બેઠા હતા. હવે વિમાન ઉપડે એટલી જ વાર હતી. નવરા બેઠા શું કરું..? એમણે ખિસ્સામાંથી પડેલું વીઝીટીંગ કાર્ડ વાંચવાનું શરૂ કર્યું. શું કાર્ડ બનાવ્યું હતું..! ઉડીને આંખે વળગે એવી રીતે વિશાલ પટેલ નામ વંચાતું હતું. પછી અલગ-અલગ કલર કોમ્બિનેશનમાં જાતભાતની માહિતી પ્રિન્ટ કરેલી હતી. મોબાઈલ નંબર, ઇ-મેલ આઇ.ડી, ઓફીસનું એડ્રેસ, વિશાલ પટેલનો નાની સાઈઝનો ફોટો, હાઈટ, ચામડીનો રંગ અને બ્લડ ગ્રુપ સુદ્ધા લખેલું હતું. અનુજભાઈને હસવું આવ્યું. આ તો વીઝીટીંગ કાર્ડ હતું કે બ્રોશર..! ફક્ત જન્મકુંડળી છાપવાની જ બાકી રાખી હતી. જોકે કાર્ડ બન્યું હતું સુંદર. એક વાત અનુજભાઈને ન સમજાઈ. આવા કાર્ડમાં બ્લડ ગ્રુપ છાપવાની શી જરૂર..? લોકો પણ ખરા તુક્કા બાજ હોય છે. કાર્ડ પાછું ખિસ્સામાં મૂકીને અનુજભાઈ વિમાનની બારીમાંથી બહાર જોવા લાગ્યા. દસેક મિનિટ પછી વિમાન હવામાં ઉંચકાયું. વહેલું આવે મુંબઈ... અનુજભાઈ બિઝનેસ મિટિંગ માટે મુંબઈ આવ્યા હતા. બે દિવસ પછીની રિટર્ન ટિકિટ હતી. કેબમાં બેસીને હોટલમાં પહોંચ્યા. ચેક ઇન કર્યા પછી રૂમમાં સામાન મુકીને જરાક ઠરીઠામ થયા. શાવર લઈને ચા પીતા પીતા પત્નીને ફોન લગાડ્યો..

'હેલો પૂર્વી, હું પહોંચી ગયો. એકાદ કલાક પછી મિટિંગ શરૂ થશે. મારો ફોન સાઈલેન્ટ મોડ પર હશે. કોલ કે મેસેજ કરીને ડિસ્ટર્બ ન કરીશ. બહુ તાકીદનું કામ હોય તો હોટલના રિસેપ્શન નંબર ઉપર કોલ કરજે. ટેક કેર..!'  
ફોન પતાવીને અનુજભાઈ તૈયાર થવા માંડયા. સ્કાય બ્લુ કલરનો સૂટ, ડાર્ક બ્લૂ રંગનો શર્ટ, અને શુઝ. અરીસામાં જોઈ લીધું. સંતોષ થયો એ પછી જરૂરી પેપર્સવાળી બ્રિફકેસ હાથમાં લીધી. અચાનક યાદ આવ્યું. વોલેટ, વિમાનની ટિકિટ, હેંકી.. આ બધું તો વિમાનમાં પહેરેલા કપડાંમાં જ રહી ગયું હતું. એમણે બધું જુના કપડામાંથી કાઢીને બ્રિફકેસમાં મૂકી દીધું. એટલામાં શર્ટના ખિસ્સામાં પડેલું પેલું વીઝીટીંગ કાર્ડ મળી આવ્યું. અનુજભાઈએ વીઝીટીંગ કાર્ડ હાથમાં લીધું. પળવાર વિચાર્યું.. 'આ વિઝિટિંગ કાર્ડનો મારે કોઈ ખપ પડશે..?' જવાબ નકારમાં મળ્યો. એમણે વીઝીટીંગ કાર્ડ હોટલના કમરાના ખૂણામાં પડેલી પ્લાસ્ટિકની ડસ્ટબિનમાં ફેંકી દીધું. બ્રિફકેસ હાથમાં લઈને રૂમ લોક કરીને એ ચાલી નીકળ્યા. મિટિંગમાં બહારના દેશોમાંથી પણ એજન્ટ્સ આવ્યા હતા. મિટિંગમાં ખૂબ મહત્વની અને ધ્યાન માંગી લે તેવી હતી. ત્રણ કલાક ક્યાં નીકળી ગયા એની અનુજભાઈને પણ ખબર ન પડી. અચાનક રિસેપ્શનિસ્ટ ગર્લ દોડતી આવી અને પૂછવા લાગી..
'આપમેં સે કિસી કા નામ મિસ્ટર અનુજ મહેતા હૈ..? ધેર ઇઝ અ કોલ ફોર હિમ..' 
જમવાની પ્લેટ પડતી મૂકીને અનુજભાઈ ટિશ્યૂ પેપરથી હાથ લૂછતા લૂછતા દોડવાની ઝડપે રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી ગયા. અમદાવાદથી કોલ હતો. પૂર્વીનો અવાજ હતો. તે રડી રહી હતી..
'બધું પડતું મુકીને અત્યારેને અત્યારે જ અમદાવાદ પહોંચી જાઓ. આપણો બબલુ બંગલાની બાલ્કનીમાંથી નીચે પડી ગયો છે. બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હેડ ઈન્જરી થઈ છે..' 
અનુજભાઈનું મગજ સુન્ન થઈ ગયું. એ લગભગ અ-ચેતન અવસ્થામાં જ સાંભળતા હોય તેવી રીતે એમના કાનમાં પૂર્વીના શબ્દો પડતા રહ્યા..
'સિરિયસ કંડીશન.. ડોક્ટર્સ કહે છે કે અર્જન્ટ ઓપરેશન કરવું પડશે. ખૂબ લોહી વહી ગયું છે. બ્લડ આપવાની જરૂર પડશે. બ્લડ બેન્કમાં તપાસ કરી. બબલુને આપવા માટે એક પણ બોટલ અવેલેબલ નથી. તમારે જ આવવું પડશે અને બ્લડ આપવું પડશે. જે હાલતમાં તમે હોવ તેમાં નીકળી પડો..' 
વિગતો જાણીને અનુજનો જીવ અધ્ધર થઈ ગયો. તેમણે તરત જ અર્જન્ટ વિમાનની ટિકિટ માટે એજન્ટને ફોન કર્યો. જવાબ મળ્યો..
'નોટ પોસીબલ ફોર ટુડે. વહેલામાં વહેલી કાલ સવારની ફ્લાઈટમાં બુકિંગ કરાવી આપુ..'
બબલુંનું બ્લડગ્રુપ 'એ' નેગેટિવ હતું. અનુજભાઈનું પોતાનું પણ 'એ' નેગેટીવ હતું. પૂર્વીનું બ્લડગ્રુપ જુદું પડતું હતું. અને 'એ' નેગેટિવ બ્લડગ્રુપ રેર ગણાય છે. બ્લડબેંકમાં પણ ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. ૬૦ લાખથી વધારે વસતીવાળા શહેરમાં 'એ' નેગેટિવ બ્લડગ્રુપવાળા માણસો કેટલા હોઈ શકે..? કોણ હોઈ શકે..? અને ક્યાં હોઈ શકે..? અચાનક અનુજભાઈના મનોકાશમાં વીજળીનો ઝબકારો થયો.. એમને યાદ આવ્યું. વિશાલ પટેલના કાર્ડમાં લખ્યું હતું.. 'બ્લડ ગ્રૂપ એ નેગેટિવ..' એ વાંચતી વખતે હસવું આવ્યું હતું. આ બ્લડ ગ્રુપ તો મારું પણ છે. એમાં આ રીતે ઢંઢેરો પીટવાની શી જરૂર પડી..? અત્યારે એ ઢંઢેરો જ એક જિંદગી માટે આશાની સુરાવલી છેડતો હોય તેવું અનુજભાઈને લાગતું હતું. અનુજભાઈ પાગલની જેમ ડસ્ટબિનની દિશામાં ધસી ગયા. ડસ્ટબિન ખાલી હતી. એમણે હોટલના કમરામાંથી જ રિસેપ્શનનો નંબર લગાડ્યો અને પૂછ્યું
'મારા રૂમમાંથી કચરો લઈ ગયા એનો નિકાલ થઈ ગયો હશે કે...? આઈ એમ ઇન એ બેડ નિડ ઓફ વન વીઝીટીંગ કાર્ડ..' 
સદભાગ્યે હજુ સુધી કચરો હોટલમાં જ હતો. બે-ચાર કર્મચારીઓ કામે લાગી ગયા. વિશેક મિનિટની મહેનત પછી વિશાલ પટેલનું વીઝીટીંગ કાર્ડ જડી ગયું. અનુજભાઈને લાગ્યું કે એ વીઝીટીંગ કાર્ડ ન હતું પણ એના બબલુની નવી જિંદગી હતી. એમણે વિશાલ પટેલને ફોન કર્યો. પોતાનું નામ આપ્યું. ઓળખાણ ન પડી પછી કહેવું પડ્યું..
'આજે સવારે અમદાવાદના એરપોર્ટની બહાર આપણે અથડાઈ ગયા હતા. મારો સામાન નીચે પડી ગયો ગયો હતો. તમે તે સામાન...'
 વિશાલ પટેલ દિલનો પણ પટેલ નીકળ્યો. મોટા અવાજમાં ઉમળકો છલકાવીને બોલ્યો..
'બોલો, રાજા, શું કામ પડ્યું..? હુકમ કરો..'  
અનુજ મહેતા ગળગળા થઈ ગયા..
એક નાની જિંદગી બચાવવાની છે..'
અનુજભાઈએ લઘુત્તમ શબ્દોમાં મહત્તમ વિગતો વિશાલભાઈના કાનમાં ઠાલવી દીધી. વિશાલ પટેલે કીધું કોઈ ચિંતા કરોમાં હું પહોંચું છું. પોતાનું રેર બ્લડ આપીને બબલુની જીંદગી બચાવી લીધી. તે દિવસે સવારે એરપોર્ટ ઉપર બે માણસો અથડાઈ ગયા ન હોત તો શું થાત..?
“જીંદગી માં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ની જરુર પડી શકે છે.”

-અજ્ઞાત.......

No comments:

Post a Comment