તું ઉદાસ થઈને કેમ ફરે છે ?
જિંદગી તો ઘણી બાકી છે તારામાં, તો પછી કેમ યાદ ના કરુ.
ખાઈને કહું છું સમ મારા
લાઈફ ઈઝ ઓસમ યારા.
કાગળ પર લખીને કેટલીય તકલીફો,
ઈશ્વરે હાંસિયામાં ક્યાંક સુખ પણ લખ્યું હશે
તારા નામની કાપલી કદાચ છેલ્લી હશે,
પણ ગમતા લોકોના નામમાં એણે તારું નામ પણ રાખ્યું હશે.
એ વાત એનાથી અજાણ નહિ રહે કે
નક્કી અહિયાં કોઈ રડ્યું હશે,
તારું સરનામું શોધીને આવતું જ હશે,
રસ્તામાં સુખ ક્યાંક ભૂલું પડ્યું હશે.
હિંમત ન હાર, ભલે ને હોય અંધાર.
તારું અજવાળું લઈને ચાલ્યા કર.
કડવી હકીકતો ચાખ્યા કર પણ
તું મુઠ્ઠીમાં થોડી આશાઓ રાખ્યા કર.
વહેલો મોડો, ઈશ્વર તને મોકલશે
તારી સફળતાનો ફેક્સ,
સપનાઓ જોવા પર ક્યાં
કોઈ દિ’ લાગ્યો છે ટેક્સ ?
એણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઉગવાનું છે,
સૂરજને ઉગતા લાગશે વાર
રાત ભલે ને લાંબી ચાલે,
કોઈ છીનવી નહિ શકે તારા ભાગની સવાર.
સૂરજ પાસે તો ઉગવાની દિશા પણ એક જ છે,
તું તો કોઈ પણ દિશામાં ઉગી શકે છે
દોસ્ત, તને પાંખો નથી એટલું જ.
જો ધારી લે, તો તું પણ ઉડી શકે છે.
કબૂલ છે, કદાચ તૂટ્યું હશે દિલ તારું.
એક વાર નહીં, વારંવાર.
તારા જ ગમતા લોકોએ
છડેચોક કર્યો હશે તારો તિરસ્કાર.
આજે લોકો તને ઓળખતા નથી,
તને કોઈ પ્રેમ કરતું નથી. હશે,
આજે એમ હશે.
જીવતો રહીશ તો ફરી સમય બદલાશે,
નસીબ બદલાશે,
ફરી એક વાર પ્રેમ થશે.
બસ, ભીની આંખ લૂંછી લે,
તું કેટલો સુંદર છે ?
એક વાર તારી જાતને પૂછી લે.
ખાઈને કહું છું સમ મારા,
યુ આર ઓસમ યારા.

No comments:
Post a Comment